<   શૈક્ષણિક ક્ષેત્રે :

અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલય

          ઈ.સ.૧૮૫૬ ની ૨૧મી એપ્રિલે રાજકોટના કેટલાક બુદ્ધિજીવીઓ અને સાહિત્યપ્રેમી વ્યક્તિઓ દ્વારા ‘ગુણગ્રાહક મંડળી'ના નામથી નાના પુસ્તકાલયનો આરંભ કરવામાં આવ્યો. બ્રિટીશ શાસન દરમિયાન એક અંગ્રેજી શાળાના ઓરડામાં લાઈબ્રેરી શરૂ થઇ. ઈ.સ. ૧૮૪૬ થી ઈ.સ.૧૮૫૮ સુધી કાઠીયાવાડના પોલિટીકલ એજન્ટ પણ રહી ચુકેલા અને પોતાના કાર્યથી લોકપ્રિય બનેલા કર્નલ ડબલ્યુ. લેન્ગનું નામ આ પુસ્તકાલય સાથે ઈ.સ. ૧૮૬૪માં જોડાયું અને ત્યારથી તે 'લેંગ લાઈબ્રેરી'ના નામથી ઓળખાતી થઇ. સમય જતાં સમગ્ર સૌરાષ્ટ્રના જ્ઞાનપિપાસુઓ માટે આ લાઈબ્રેરી મહત્વપૂર્ણ બની રહી. ૧૯૮૧-૮૨ માં ગુજરાત સરકાર તરફથી લેંગ લાઈબ્રેરીને રાજ્યની શ્રેષ્ઠ લાઈબ્રેરીને અપાતા ‘મોતીભાઈ અમીન પારિતોષિક'થી નવાજવામાં આવી હતી.

         રાજકોટના જયુબિલી બાગમાં ઈ.સ. 1897માં બનેલ સંસ્થાનું વિશાળ ભવન તેના કલાત્મક ગોથિક સ્ટ્રક્ચરને કારણે ઉત્કૃષ્ટ બાંધકામ ધરાવે છે. લાઈબ્રેરીને ઈ.સ. ૨૦૦૫માં દોઢસો વર્ષ પૂરા થયા, તે નિમિત્તે લાઈબ્રેરીના મૂળ બાંધકામ કે દેખાવમાં ફેરફાર કર્યા વગર પુસ્તકાલયને નવા રૂપ- રંગ આપવામાં આવ્યા હતા. ઇ.સ. ૨૦૦૪માં લાઈબ્રેરી નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાયો ત્યારે પણ અંદાજેલ ખર્ચ કરતા થયેલ ખર્ચનો આંક સવાયો થયેલ હતો. સંસ્થા પાસે માર્યાદિત ભંડોળ હોવાથી દાતાઓને અપીલ કરવામાં આવી. રાજકોટના સંસદસભ્ય ડો.વલ્લભભાઈ કથીરિયાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. પાંચ લાખ, રાજ્યસભાના સભ્ય લલીતભાઈ મહેતાએ રૂ. દસ લાખ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રૂ.પાંચ લાખ અને નાણામંત્રી વજુભાઈ વાળાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ. ત્રણ લાખની ફાળવણી લાઈબ્રેરીના અધુનિકીકરણ માટે કરી હતી. ખૂટતી રકમ સમાજના સુખીસંપન્ન દાતાઓ પાસેથી મેળવી હતી.

         અરવિંદભાઈ મણીઆર આ લાઈબ્રેરીના સંચાલક મંડળમાં વર્ષો સુધી સક્રિય રહ્યા હતા. આધુનિક બનેલ આ લાયબ્રેરીનું નૂતન નામકરણ ‘અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલય' રાખવાનો લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો. નવનિર્મિત ભવનનો ઉદ્દઘાટન અને નવું નામકરણ કરવાનો સમારંભ તા. ૧૯.૦૩.૨૦૦૫ ના દિવસે યોજાયો હતો. પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ ઉદ્દઘાટન કર્યું હતું. કાર્યક્રમના પ્રમુખ સ્થાને શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત હતા. ઈ.સ. 1980 - '81 માં લેંગ લાયબ્રેરીની સવાસોમી જયંતી અને ઈ.સ. 2005માં સાર્ધ શતાબ્દી ઉમંગભેર ઉજવાઈ હતી.

         ઈ.સ. ૧૯૮૦-૮૧ માં લેંગ લાયબ્રેરીની સવાસોમી જયંતિ અને ઈ.સ. ૨૦૦૫માં સપ્ત શતાબ્દી ઉમંગભેર ઉજવાઈ હતી.

અધ્યયન કક્ષ :

         અરવિંદભાઈની સ્મૃતિમાં લેંગ લાઈબ્રેરીમાં નિર્માણ પામેલ અધ્યયન કક્ષનું ઉદ્દઘાટન સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ અને ખ્યાતનામ કવિ-વિવેચક સિતાંશુ મેહતાના હસ્તે તા. ૨૦.૦૬.૧૯૯૨ ના દિવસે યોજાયું હતું. આ અધ્યયન કક્ષમાં હાયર સેકન્ડરીકક્ષના વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા કોલેજ-યુનીવર્સિટીના પ્રધ્યાપકો તથા સંશોધન કરતા વિદ્યાર્થીઓને અધ્યયન કરવાની તેમજ પરીક્ષા માટેની તૈયારી કરવા માટેની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. જ્યાં જરૂર હોય ત્યાં લાઈબ્રેરીના સમૃદ્ધ અલભ્ય પુસ્તકો પણ સંશોધન અર્થે આપવામાં આવે છે.


ઓડીઓ-વિડીઓ લાઈબ્રેરી

         લેંગ લાઈબ્રેરીના આધુનિકીકરણના પ્રથમ તબક્કે માત્ર વચન સામગ્રીને હવે પર્યાપ્ત ન ગણતા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો પણ જાહેર ઉપયોગ થાય એ હેતુથી આ લેંગ લાઈબ્રેરીએ શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગ દ્વારા એક સાંસ્કૃતિક ઓડિયો-વિડીયો લાઈબ્રેરી તા. ૨૧.૦૧.૧૯૮૯ ના લેંગ લાઈબ્રેરી ના પરિસરમાં શરુ કરવાનું સાહસ કર્યું. મૂક્ય ઉદ્દેશ લોક્ઘડતર થાય એવી સાંસ્કૃતિક, સાહિત્યિક અને દેશ વિદેશની આ પ્રકારની માહિતી પૂરી પાડતી કેસેટો વસાવી તેના જાહેર શો ગોઠવીને અને પુસ્તકોની માફક આદાન-પ્રદાન કરવાનો પણ છે.