શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદૃષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદ્દેશ અને કાર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

Image

         કેટલીક વ્યક્તિઓને ઈશ્વર સમાજમાં સુવાસ પ્રસરાવવા મોકલતા હોય છે. અરવિંદભાઇ મણીઆર આવીજ એક વ્યક્તિ હતા. ભારતીય જનસંઘ, ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પુરતું તેમનું વ્યક્તિત્ત્વ સીમિત ન હતું. રાજકોટના જાહેરજીવનના લડાયક અગ્રણી, ધારાસભ્ય, મેયર અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન જેવા મહત્ત્વના હોદ્દાઓ ઉપર પ્રવૃત્ત રહેવા છતાં તેમની નજર સમક્ષ છેવાડાના માનવીનું હિત જ સદાય રહેતું. રાજકોટના વિકાસ માટે તેમની પાસે એક નક્કર દૃષ્ટિ તેમજ ભૂમિકા હતી.

         રાજકોટ નાગરિક સહકારી બેંકને 'નાના માનવીની મોટી બેંક' બનાવવામાં અરવિંદભાઇનો ફાળો ઘણોજ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. લોકોપયોગી કર્યો માટેની તત્પરતા તથા પ્રતિબદ્ધતા, સમયની ચોક્કસતા, શિસ્તની ચુસ્તતા, નિષ્કલંક પ્રમાણિકતા, મૂલ્યો પ્રત્યે સજાગતા, નિડર અને નિર્ભીક નેતૃત્વનો સરવાળો કરીએ તો તેમાંથી અરવિંદભાઇ જેવું સુરેખ વ્યક્તિત્વ ઉપસી આવે. તેઓ કહેતા “રાજકોટને પર્યાપ્ત પાણી અને વીજળી મળી રહે અને ભૂગર્ભ ગટર નખાઈ જાય તો શહેરોનો વિકાસ ઝડપી બનશે.” અરવિંદભાઇ સ્વપ્નદૃષ્ટા હતા, પણ માત્ર વાતો કરવા અને પ્રજાને હથેળીમાં ચાંદ બતાવવા પ્રત્યે તેમને ભારોભાર રોષ હતો. રાજકોટનો વ્યાપક વિકાસ સધાય, માળખાકીય સુવિધાઓમાં વધારો થાય, પ્રજાનું જીવનસ્તર ઊંચું આવે એ દિશામાં અહર્નિશ તેમનું ચિંતન ચાલ્યા કરતું.

         અમદાવાદથી એક બેઠકનું કામકાજ આટોપીને રાજકોટ પાછા ફરતી વખતે સાયલા પાસે તેઓને માર્ગ અકસ્માત નડ્યો અને તા.૦૭ - ૦૯ - ૧૯૮૩ના દિવસે તેમનું અકાળ અવસાન થયું. કાળે તેમને આપણી વચ્ચેથી અણધાર્યા સેરવી લીધા. તેમની સ્મૃતિ જીવંત રાખવા અને અરવિંદભાઇની પ્રિય પ્રવૃત્તિઓ આગળ ધપાવવા માટે 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી અને આજે ૩૯ વર્ષથી ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યાં છે.

         ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ ડો. પી.વી. દોશી હતા. આરંભના ટ્રસ્ટીઓમાં કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ, હંસિકાબેન મણીઆર, રમણીકભાઈ વૈદ્ય, કાંતિભાઈ વૈદ્ય અને મહાસુખભાઈ શાહ જેવા મુરબ્બીએ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ટ્રસ્ટને સમાજમાં અનેરું સ્થાન અપાવ્યું. સમયાંતરે ડો. વલ્લભભાઈ કથીરિયા, જ્યોતીન્દ્ર મહેતા, શિવુભાઈ દવે, રામકૃષ્ણ ઠાકરની ટ્રસ્ટીઓ તરીકે સેવા મળતી રહી. કલ્પકભાઈ મણીઆર ટ્રસ્ટના દરેક કાર્યોમાં સક્રિયપણે સામેલ થતા રહ્યા છે.

         ટ્રસ્ટની પ્રવૃત્તિઓ આજે ઘણી વેગવંતી બની છે. ટ્રસ્ટનો શુભારંભ થયો અરવિંદભાઇના એકાવનમાં જન્મદિન તા.૦૫ - ૧૦ - ૧૯૮૩ ના દિવસે. અરવિંદભાઇની ચીરવિદાયને એક મહિનો માંડ થયો હતો. એ દિવસે રાજકોટની રાષ્ટ્રીયશાળાનું મેદાન લોકોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. દેશની આધ્યાત્મિક ક્ષેત્રની એક ઉન્નત પ્રતિભા પ. પૂ. શ્રી પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીએ તેમના મંગલ પ્રવચન થકી ટ્રસ્ટની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. અરવિંદભાઈના જન્મદિવસેજ અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટનું બીજ વવાઈ ગયું હતું.

         ટ્રસ્ટ દ્વારા તા.૦૫ - ૧૦ - ૧૯૮૩ ના રોજ પહેલો કાર્યક્રમ યોજાયો, ત્યારથી અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો આયોજિત થયા છે. ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટમાં રોટરી ક્લબના સહયોગથી નમૂનેદાર ડોલ્સ મ્યુઝીયમનું સંચાલન થઇ રહ્યું છે. અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા જે પ્રવૃત્તિઓ છેલ્લા ૩૯ વર્ષોમાં થઇ તેનું રસાળ શૈલીમાં પ્રસ્તુતિકરણ કરવાનો નમ્ર પ્રયાસ અહી કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના કાર્યકરો, સહયોગીઓ, દાતાઓ, શુભેચ્છકોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. પ્રવૃત્તિઓનો આ સંકલિત સંગ્રહ લોકો સુધી પહોંચાડવામાં, 'અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ'ના સૌ ટ્રસ્ટીઓ આનંદ અનુભવીએ છીએ. અરવિંદભાઇ પ્રત્યેનો આદરભાવ અને ટ્રસ્ટ પ્રત્યેની શુભેચ્છાને કારણે સૌ મિત્રો વિવિધ પ્રવૃતિઓમાં સામેલ થયા છે, જેનું વિશેષ મહત્ત્વ છે એની સાભાર નોંધ લઈએ છીએ.